ખોટા બિલથી 4 કરોડથી વધુની વેરા શાખ મેળવનાર બે પેઢી સામે કાર્યવાહી
- ભાવનગરમાં બોગસ બિલિંગને લઈને સેન્ટ્રલ જીએસટી એક્શન મોડમાં
- શહેરના સ્ટેશન રોડ પર આવેલાં ક્રિષ્ના મશીન ટૂલ્સના પ્રોપ્રાઈટર અને આર.આર.એન્ટરપ્રાઈઝના પાર્ટનરની ધરપકડ
ભાવનગર સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ત્રણ દિવસ પૂર્વે રૂ.૮ કરોડથી વધુની ખોટી વેરા શાખ મેળવનારી અલંગની મેસર્સ રુચી સ્ટીલના પ્રોપ્રાઈટર ચંદ્રભાણ મૌર્યની ધરપકડ કરી જેલહવાલે કર્યાં બાદ બોગસ બિલિંગને લઈને વિભાગે વધુ એક એક્શનમાં આવી છે. જેમાં શહેરના સ્ટેશન રોડ પર આવેલી મેસર્સ ક્રિષ્ના મશીન ટૂલ્સના પ્રોપ્રાઈટર અને મેસર્સ આર.આર.એન્ટરપ્રાઈઝના પાર્ટનર રાકેશ ગણપતભાઈ રાઠોડ (રહે.ભાવનગર)ની ખોટા બિલ થકી રૂા.૪.૨ કરોડથી વધુેની વેરા શાખ મેળવવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી અને પુછપરછમાં આરોપીએ સ્વિકાર્યું હતું કે, તે જુદાં-જુદાં સપ્લાયર્સને ૪ ટકાના કમિશનના આધાર પર ખોટા બિલ આપતો હતો અને વ્યવહાર સાચો લાગે તે માટે પેઢીના બેંક એકાઉન્ટમાં જમા કરી બાદમાં રોકડ ઉપાડી કમિશન કાપીને વચેટિયાને આપી દેતો હતો અને વધુમાં તેણે એમ પણ કબુલ્યું હતું કે,તેના માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ૦.૫ ટકા કમિશન પર બોગસ બિલિંગ અને રિટર્ન ફાઈલ કરવા એકાઉન્ટની વ્યવસ્થા કરી દેતો હતો ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગે આ મામલે સીએ, વચેટિયા, શ્રોફ તથા આંગડિયા પેઢીની શંકાસ્પદ ભુમિકાની તપાસ શરૂ કરી છે.
બન્ને પેઢીના નોંધણી નંબર રદ્દ કરી આઈટીસી વસૂલાશે
સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી ખોટી વેરાશાખ મેળવનારી મેસર્સ ક્રિષ્ના મશીન ટૂલ્સ અને મેસર્સ આર.આર.એન્ટરપ્રાઈઝના જીએસટી નોંધણી નંબર રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેથી ખોટી વેરાશાખનો લાભ અટકી શકે અને આગામી દિવસોમાં ખોટી રીતે આપવામાં આવેલી આઈટીસી વસૂલવામાં આવશે.