Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ કરાશે

By GS TEAM
15 Dec 20252 mins read
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ કરાશે

- ચોટીલા પ્રાંત અધિકારીએ ડીડીઓ અને ટીડીઓને અહેવાલ આપશે 

- લીમલી, ભેટ, નરખંભા, ખાખરાવાળી અને કાધાસર ગામના સરપંચ અને તલાટીઓનો રિપોર્ટ કરાશે : જવાબદારો સામે શું કાર્યવાહી થશે તેના પર મીટ મંડાઇ 

સુરેન્દ્રનગર : ઝાલાવાડામાં બેફામપણે ખનીજ ચોરી થઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી પકડવા માટે તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે. જે ગામોમાં ખનીજ ચોરી થતી હોય તે ગામના તલાટી અને સરપંચે પ્રાંત અધિકારીને જાણ કરવા સૂચના આપી છતાં પણ અમલ કરાયો નથી. જેના પગલે હવે ચોટીલા તાલુકાના પાંચ ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી કરવા માટે પ્રાંત અધિકારી ડીડીઓ અને ટીડીઓને રિપોર્ટ રજૂ કરશે. 

 સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, મૂળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અને સરપંચો સાથે પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી.જેમાં જે ગામમાં ખનીજ ચોરી થતી હોય તેની જાણ  પ્રાંત અધિકારીને લેટરપેડ પર જાણ કરવા માટેની સૂચના આપી હતી અને પરંતુ હજુ સુધી ખનીજ ચોરી અંગેની કોઇ પણ ગામના સરપંચ કે તલાટીને જાણ કરી નથી. જેને હવે તલાટીઓ અને સરપંચ સામે કાર્યવાહી થઇ શકે છે. જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે કાબ્રોસેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યાં છે. 

જેના પગલે હવે ચોટીલાના લીમલી ભેટ, નરખંભા, ખાખરાવાળી, કાધાસર ગામમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ ગામોના સરપંચ અને તલાટીઓ સામે કાર્યવાહી કરવા માટે પ્રાંત અધિકારી ડીડીઓ અને ટીડીઓને રિપોર્ટ રજૂ કરશે. જેને લઇ હવે શું કાર્યવાહી થશે તેના પણ સૌની મીટ મંડાઇ છે.