વડોદરામાં પાન પાર્લરની દુકાનમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર સંચાલક સામે કાર્યવાહી
Vadodara : વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસેની પાન પાર્લરની દુકાનમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર સંચાલકની પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગુનાઓનું પ્રમાણ ઘટાડી શકાય તે હેતુથી તમામ પાર્ટી પ્લોટ ,પેટ્રોલ ડીઝલ પંપ, ખાનગી કંપનીઓ, શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ, ફાસ્ટ ફૂડ પાર્લર, ગેસ્ટ હાઉસ, બહુમાળી ઇમારતો વિગેરે સ્થળોએ હાઈડેફીનેશન/નાઈટ વિઝન ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું અમલમાં છે. જે અનુસંધાને કપૂરાઈ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય પરિવાર ચાર રસ્તા પાસેના દિવ્યા આશિષ કોમ્પલેક્ષની ક્રિષ્ના ડીલક્ષ પાન પાર્લરની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે સંચાલક રાહુલ વિશ્રામભાઇ મારુ (રહે- ભરવાડ વાસ, મોટી બાપોદ ગામ/મૂળ-સાવરકુંડલા)ની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.