Get The App

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી 1 - image

જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જાહેર માર્ગ પર મહાનગરપાલિકાની મિલકતોમાં આડેધડ મુકાયેલા જાહેરાતના બોર્ડ અને બેનરોને જપ્ત કરવાની જામ્યુકોની દબાણ હટાવ શાખાએ કામગીરી હાથ ધરી હતી, અને છેલ્લા ત્રણ દિવસમાં 650થી વધુ પોસ્ટર, બોર્ડ, અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને કારણે કેટલાક ધંધાર્થીઓએ મંજૂરી મેળવ્યા વિના આડેધડ જાહેરાત માટે બોર્ડ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. જેથી આડેધડ મુકાયેલા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની જામ્યુકોની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી. 

જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ટીમો બનાવીને છેલ્લા ત્રણ દિવસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં રણજીતસાગર રોડ, હવાઈ ચોક, ટાઉન હોલ, સેન્ટ્રલ બેંક, એસ.ટી.રોડ, બેડી નાકા, પી.એન. માર્ગ, સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો રોડ, સમર્પણ સર્કલ, ખોડીયાર કોલોની શરૂ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર લગાવી દેવાયેલા બિન અધિકૃત એવા 650થી વધૂ જાહેરાતના બોર્ડ અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જે કાર્યવાહી આજે રવિવારના રજાના દિવસે પણ ચાલુ રખાઇ છે.