શહેરના ચારેય ઝોનમાં ઈજારા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓ સામે કાર્યવાહી
ટેન્ડર શરતોના ઉલ્લંઘન બદલ લાખો રૂપિયાનો દંડ, બ્લેકલિસ્ટ કરવાની નોટિસ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારેય ઝોનમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીઓ દ્વારા વારંવાર ટેન્ડરની શરતોનો ભંગ કરાતા દબાણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચારેય ઝોનમાં સેવા આપતી એજન્સીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ બે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ પાઠવી છે.
વાર્ષિક ઇજારાના ધોરણે ઉત્તર અને પૂર્વ ઝોનમાં પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રા. લિ., દક્ષિણ ઝોનમાં શિવ સિક્યુરિટી સર્વિસ તથા પશ્ચિમ ઝોનમાં સૈનિક ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી પ્રા. લિ. ને કોન્ટ્રાક્ટ અપાયો હતો. દક્ષિણ ઝોનમાં કાર્યરત શિવ સિક્યુરિટીની બેદરકારી અંગે અરજદાર પંકજ પાટીલ દ્વારા પુરાવા રજૂ થતાં સિટી એન્જિનિયરે કડક પગલાં લેવા અને મહત્તમ પેનલ્ટી વસૂલવાની સૂચના આપી હતી. તેમ છતાં કાર્યવાહી ન થતા દબાણ શાખાએ ગંભીરતા દાખવી એજન્સીઓને દંડ ફટકાર્યો હતો. ઝોન વાઇઝ વેતન ચુકવણીમાં વિલંબ, પીસીસી ન રજૂ કરવી, ટ્રેનિંગ ઓફિસરની નિમણૂક ન કરવી, ડમી ગાર્ડનો ઉપયોગ, પગાર સ્લીપ ન આપવી, વાહનની અછત જેવા મુદ્દાઓ સામે કાર્યવાહી કરાઈ હતી. તેમાં પેન્થર સિક્યોર સોલ્યુશન પ્રા. લિ. ને રૂ.11.94 લાખ, શિવ સિક્યુરિટી સર્વિસ ને રૂ.2.33 લાખ અને સૈનિક ઈન્ટેલિજન્સ પ્રા. લિ. ને રૂ.7.97 લાખનો દંડ ફટકારાયો હતો. હાલ સુધીમાં પેન્થર સિક્યોરને 135, શિવ સિક્યુરિટીને 53 અને સૈનિક ઈન્ટેલિજન્સને 56 નોટિસ આપવામાં આવી છે. કામગીરીમાં બેદરકારીને કારણે પેન્થર અને શિવ સિક્યુરિટીને બ્લેકલિસ્ટની પણ નોટિસ પાઠવી હતી.