નકલીમાં નવો ઉમેરો: વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ, કૌભાંડની આશંકા
Vadodara : ગુજરાતમાં નકલી વસ્તુઓ, અધિકારીઓ અને દસ્તાવેજોમાં વધુ એક નકલીનો ઉમેરો થયો છે. વડોદરામાંથી નકલી બર્થ સર્ટિફિકેટ મળી આવતા અધિકારીઓ ચોંકી ગયા છે અને શહેરમાં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
હોસ્પિટલના નામનો જન્મ દાખલો
મૂળ યુપીનો વતની અને હાલ શહેરના મકરપુરા જીઆઇડીસીમાં રહેતો કાશિદ સિદ્દિકી નવું આધાર કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશનના રાવપુરા ખાતેના કેન્દ્ર પર પહોંચ્યો હતો. જ્યાં તેણે જમનાબાઈ હોસ્પિટલના નામનો જન્મ દાખલો રજૂ કર્યો હતો. પરંતુ હોસ્પિટલને જન્મનો દાખલો આપવાની સત્તા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જ જન્મ દાખલો બોગસ હોવાનું સામે આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનના આધાર કાર્ડ કેન્દ્રમાં નવું આધાર કાર્ડ મેળવવા બોગસ બર્થ સર્ટિફિકેટ રજૂ કરનાર માતા-પુત્ર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા કૌભાંડની આશંકા
સેશન્સ ઓફિસર સમીક જોશીએ આ બાબતે પોલીસ કંટ્રોલને જાણ કરી સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી વિનંતી સાથે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાશિદ સિદ્દિકીનું કહેવું છે કે મારો જન્મ યુપી ખાતે થયો છે અને આ જન્મ દાખલો થોડા સમય અગાઉ મારા પિતાએ મિત્રની મદદથી બનાવ્યો હતો. હાલ પોલીસે બોગસ જન્મ દાખલો રજૂ કરનાર યુવક અને તેની માતાની પૂછપરછ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.