Gujarat

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહિત રૂ.90 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
5 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની સૂચના અનુસાર તપાસ ટીમ દ્વારા જામજોધપુર તાલુકાના જસાપર ગામ તેમજ જામનગર તાલુકાના ધુતારપર ગામ ખાતે દરોડા પાડી ગેરકાયદેસર રીતે સાદી રેતીના ખનન અને પરિવહનમાં સંડોવાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહિત રૂ.90 લાખનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Mining : જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રી  કેયુર રાજપુરાની સૂચના અનુસાર તપાસ ટીમ દ્વારા જામજોધપુર તાલુકાના જસાપર ગામ તેમજ જામનગર તાલુકાના ધુતારપર ગામ ખાતે દરોડા પાડી ગેરકાયદેસર રીતે સાદી રેતીના ખનન અને પરિવહનમાં સંડોવાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

વિગતો મુજબ જામજોધપુર તાલુકાના જસાપર ગામના નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વહન અંગે મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પરથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતું એક જેસીબી મશીન તથા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોમાં જેસીબી નંબર જીજે-37-એસ-9898 તેમજ ડમ્પર નંબર બીઆર-31-જીએ-6182 અને બીઆર-25-જીએ-6025 નો સમાવેશ થાય છે. ત્રણેય વાહનોના માલિક તરીકે રાજેશભાઈ કાંબરિયાનું નામ સામે આવ્યું છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના ધુતારપર ગામ ખાતે સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન અંગે નોંધાયેલી ફરિયાદના અનુસંધાને તપાસ કરતાં નદી પટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું. સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર નંબર જીજે-38-બીબી-8301ના માલિક વિમલભાઈ વડેચા, ટ્રેક્ટર નંબર જીજે-36-એજે-9054ના માલિક મેહુલભાઈ રાઠોડ તથા ટ્રેક્ટર નંબર જીજે-03-ઈએચ-2474ના માલિક મેરૂભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે.

ભૂસ્તરશાસ્ત્ર વિભાગ દ્વારા બંને સ્થળોએ કુલ છ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેનો અંદાજિત મુદ્દામાલ આશરે રૂ.90 લાખ જેટલો થાય છે. જપ્ત કરાયેલા તમામ વાહનો સામે ખનિજ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા અન્ય જવાબદારોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમના સભ્યો આનંદભાઈ, નિખીલભાઈ અને રમેશભાઈ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.