Gujarat

આરોપીની બાઇક કબજે કર્યા વિના મહિનાઓ સુધી રાખી મૂકી

By GS TEAM
20 Jun 20251 min read
આરોપીની બાઇક  કબજે કર્યા વિના મહિનાઓ સુધી રાખી મૂકી

વડોદરા,વડોદરા સી.આઇ.ડી.ની કચેરીમાંં એક વર્ષ પૂર્વે દાખલ થયેલા છેતરપિંડીના  કેસમાં એક બાઇક તપાસ માટે નર્મદાભવનના આઠમા માળે લિફ્ટમાં લઇ જવાઇ હતી. અને ત્યારબાદ તે બાઇકનો ગુનામાં કોઇ ઉપયોગ થયો નહીં હોવાનું જણાવી જવા દેવામાં આવી હતી. લિફ્ટમાં બાઇકને લઇ જવાતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયુ હતું. 

અમદાવાદ નિકોલ રોડ પર મનમોહન  પાર્ક સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ મદનલાલ મેલકાએ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં ગત તા. ૧૩ - ૦૪ - ૨૦૨૪ ના રોજ છેતરપિડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સી.આઇ.ડી.ક્રાઇમે  હુસેન અલ્હારખા રાણા, વિજયસિંહ ચંદ્રસિંહ રાઠોડ તથા કલામુદ્દીન મહંમદસગીરખા ઉર્ફે કે.ડી.ખાનને ઝડપી પાડયા હતા. પોલીસે જે - તે સમયે કે.ડી.ખાનને પકડયો ત્યારે તેની પાસેથી એક બાઇક તપાસ માટે લીધી  હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાથી આ બાઇક સી.આઇ.ડી. ક્રાઇમની ઓફિસમાં નર્મદાભવનના આઠમા માળે  જ પડી રહી હતી. પી.આઇ. રાઠવાનું કહેવું છે કે, અમે આ બાઇક કબજે લીધી નહતી.  માત્ર તપાસ કરી હતી. પોલીસને જો માત્ર તપાસ જ કરવી હતી તો  સ્થળ પર જઇને પણ બાઇકની તપાસ શક્ય હતી. 

દરમિયાન પી.આઇ.નું કહેવું છે કે, આરોપીની  પત્ની બીમાર હોઇ તેને બાઇકની જરૃર હતી. આરોપી જાતે આવ્યો નહતો. પરંતુ,તેનો કોઇ ઓળખીતો આવ્યો  હતો. જેને અમે બાઇક પરત કરી દીધી છે.