Gujarat

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
28 Aug 20251 min read
૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ

વડોદરા : શેર બજારમાં રોકણ કરશો તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી ૨.૬૧ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, અરજદારે લાખો રુપિયાનું કમિશન લીધુ છે અને તેની સામે મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાયેલા છે ત્યારે તેનો ગુનાઇત ભૂતકાળ જોતા જામીન આપી શકાય નહી.

કેસની વિગત એવી છે કે, આરોપીઓએ ફરિયાદીનેસીઆઇએનવી અને સીઆઇએનવી ૫૦૦ નામના વોટ્સએપ ગૃપમાં સામેલ કર્યા હતા અને એવી લાલચ આપી હતી કે, જો તમે શેર માર્કેટમાં રોકાણ કરશો તો તમને ઉંચુ વળતર મળશે. આરોપીઓની વાતમાં આવીને ફરિયાદીએ ૨.૬૧ કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ ત્યાર બાદ આ રકમ પરત ચૂકવવામાં આવી ન હતી અને આરોપીઓઅ ેછેેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સીઆઇડી સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કરી જય હરીશભાઇ બાગવાની (રહે.જોધપુર)ની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ આરોપી જય બાગવાનીએ જામીન અરજી મુકી રજૂઆત કરી હતી કે, તેની આ ગુનામાં કોઇ સંડોવણી નથી. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી ગુનાહીત ભૂતકાળ ધરાવે છે. તેની સામે મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાયેલા છે. જામીન આપવામાં આવશે તો આરોપી પુરાવા સાથે ચેડા કરશે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી રદ કરી હતી.