જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના તેમજ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીની સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપીએ નિરાધાર યુવતીની પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેને લગ્ન કરવાની લાલચ આપી જામનગર ખાતે અલગ અલગ સ્થળોએ રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત યુવતીને મારકૂટ કરી ધાકધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ પણ ગુજાર્યો હતો. પિતાના અવસાન બાદ મળેલા ક્લેઇમની રકમમાંથી ખરીદાયેલ સોનાના દાગીના અને સોનાના બિસ્કિટ પણ પડાવી લીધાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સિટી એ-ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ 64(1) તથા 115(2) હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આરોપી શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરી વધુ તપાસ અને પૂછપરછ માટે બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બનાવની વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બે દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને ફરીથી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.








