ધારિયાના બાર ઘા ઝીંકીને યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

ચાર વર્ષ અગાઉ દહેગામ શહેરના ભર બજારમાં
રિક્ષાનો કાચ તોડવા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું ઃ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ચાર વર્ષ અગાઉ રિક્ષાનો કાચ તોડવા બાબતે થયેલી માથાકૂટમાં યુવાને ભર બજારમાં ધારિયાના બાર જેટલા ઘા ઝીંકી રીક્ષા ચાલક યુવાનની હત્યા કરી દીધી હતી. જે ગુના સંદર્ભે ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને એક લાખ રૃપિયા દંડનો હુકમ કર્યો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે દહેગામના હર્ષદ નગર ખાતે રહેતા
વાલાભાઈ ઉર્ફે વાલજીભાઈ કાલિદાસ પટેલનો પુત્ર જગદીશ રીક્ષા લઈને નરોડા ગયો હતો તે
સમયે દહેગામમાં જ રહેતા આરોપી આફતાબ ઉર્ફે અલતાબ અયુબભાઈ અબદાલ દ્વારા તેની
રીક્ષાનો કાચ તોડવામાં આવ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે
બાબતની અદાવત રાખીને ગત ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ જગદીશ દહેગામ રેલવે સ્ટેશન પાસે
રિક્ષા સ્ટેન્ડ નજીક તેની રિક્ષા લઈને ઊભો હતો તે દરમિયાન આફતાબ હાથમાં ધારિયું
લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે આજે તો તને પતાવી દેવાનો છે તેમ કહીને તેની ઉપર
ઉપરા છાપરી ધારિયાના બાર જેટલા ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેના શરીરે ગંભીર
ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો
અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે ઘટનાને પગલે દહેગામ પોલીસ દ્વારા
આરોપી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસ ગાંધીનગર
એડી. ડિસ્ટ્રીકટ જજ વી.જી. રાણાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ
પ્રિતેશકુમાર ડી. વ્યાસ દ્વારા કોર્ટમાં ૫૦થી વધુ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા
અને ફરિયાદ પક્ષે કુલ ૨૯ સાહેદોની તપાસ કરવામાં આવી હતી. નજરે જોનાર ચાર સાહેદોના
૧૬૪ના નિવેદન લેવામાં આવ્યા હતા. તેમણે ધારદાર દલીલ કરી હતી કે મૃત્યુ પામનાર
અનુસૂચિત જાતિના હતા અને તેમના માતા-પિતાએ એકમાત્ર દીકરો ગુમાવ્યો છે. મરણ જનારને
નાની બે દીકરીઓની જવાબદારી હતી અને તેમના અવસાનથી પરિવારે તેમનો આધાર ગુમાવ્યો છે.
સમાજમાં આવા બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે. જેથી દાખલો બેસે તે માટે કાયદામાં
દર્શાવેલી પૂરેપૂરી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને
એક લાખ રૃપિયા દંડનો હુકમ કર્યો હતો.









