૫૦ લાખ સામે ૩.૫૦ કરોડ વસૂલ્યા બાદ પણ ૨.૪૩ કરોડની ઉઘરાણી!
વ્યાજખોરની ફાયરિંગ કરવા સુધીની ધમકીથી કંટાળીને યુવાને ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૨૨માં રહેતા યુવાને વ્યાજવા લીધેલા ૫૦ લાખ રૃપિયાની સામે ૩.૫૦ કરોડ રૃપિયા ચૂકવી દીધા બાદ પણ ૨.૪૩ કરોડની ઉઘરાણી કરીને ધમકી આપનાર વ્યાજખોર સામે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો
છે ત્યારે વધુ એક યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો છે. જે ઘટના સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૨૨માં આવેલી આનંદ વાટીકા સોસાયટીમાં રહેતા
નૈમીષકુમાર ગોરધનભાઈ અકબરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના મિત્ર
મારફતે સેક્ટર ૨-ડી પ્લોટ નંબર ૧૦૫૧માં રહેતા મૂળ ઇન્દ્રોડા ગામના રાકેશ અમૃતભાઈ
પ્રજાપતિ સાથે સંપર્ક થયો હતો અને જરૃરિયાત હોવાથી ૫૦ લાખ રૃપિયા ત્રણ ટકા વ્યાજ
પેટે લીધા હતા.જેનું માર્ચ ૨૦૧૬થી માર્ચ ૨૦૨૦ સુધી નિયમિત વ્યાજ ચૂકવવામાં આવ્યું
હતું. વ્યાજ ન ભરી શકવા બદલ ૨૦૧૮ અને ૨૦૧૯માં ૯ લાખની પેનલ્ટી ચૂકવવામાં આવી હતી.
કોરોનાકાળમાં વ્યાજ ન ચૂકવી શકતા ૧૮,૫૦,૦૦૦ વ્યાજ
મૂડીમાં ઉમેરાયું અને આશરે ૫૪ લાખની પેનલ્ટી પણ ચૂકવવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૩
સુધી ૬૮.૫૦ લાખ પર ૩ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધીમાં ૫૦ લાખની
સામે ૩.૫૦ કરોડ રૃપિયા ચૂકવી દેવા છતાં રાકેશ પ્રજાપતિ દ્વારા ૨.૪૩ કરોડની ઉઘરાણી
માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં અલગ અલગ જગ્યાએ બોલાવીને ધાક ધમકી
આપવામાં આવતી હતી અને પરિવારને નુકસાન પહોંચાડવા પણ કહેવાયું હતું. પોલીસ પણ મારું
કંઈ બગાડી શકશે નહીં સમગ્ર તંત્ર મારા ખિસ્સામાં છે તેમ કહીને ધમકી આપતા આખરે
સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.