Get The App

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ 1 - image

Daman Nursing College : દમણ નર્સિંગ કોલેજના મહિલા આચાર્યાના અપહરણ અને હત્યા કેસમાં આરોપી એવા એકાઉન્ટન્ટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે આરોપીને રૂ.15 હજારનો દંડ પણ કરાયો છે.

સેલવાસ ખાતે રહેતા અને દમણ નર્સિંગ કોલેજના આચાર્યા કનીમોઝી અરૂમુધન ગત 28-02-22ના રોજ કારમાં દમણ કોલેજે જવા નિકળ્યા બાદ રસ્તામાંથી ગાયબ થઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસે જુદી જુદી ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલવા સીસી ટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને કડીના આધારે કોલેજના જ એકાઉન્ટન્ટ સાવન પટેલની શંકાના આધારે પૂછપરછ કરતા સાવને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. 

બાદમાં દમણ-સેલવાસ પોલીસે વાપીના તરક પારડી ગામે ડુંગરાળ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જયાં પોલીસને સળગી ગયેલી હાલતમાં મળેલી કારમાંથી કનીમોઝીની ભડથું થયેલી લાશ મળી આવી હતી. આરોપીએ કોલેજમાં નાણાંકીય ગેરરીતિ કર્યાનું બહાર આવતા કનીમોઝીએ નાણાં ભરપાઇ કરી મામલો ક્લિયર કરવા જણાવ્યું હતું. જેને લઈ સાવને કનીમોઝીનું કાસળ કાઢી નાખ્યું હતું. 

પોલીસે આરોપી એવા એકાઉન્ટન્ટ સામે અપહરણ, હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કડક સજા થાય તે માટે તમામ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોરધન જી.પુરોહિત અનેક લોકોના નિવેદનો અને સજ્જડ પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરી હતી કોર્ટના જજ વિભા.પી.ઇગલેએ આરોપી સાવનને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે આરોપીને રૂ.15 હજારનો દંડ પણ કરાયો છે.