Gujarat

જામનગર નજીક હાપામાંથી બે વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી જનાર આરોપી મધ્યપ્રદેશમાંથી પકડાયો

By GS TEAM
28 Jul 20252 mins read
TukuTouch Logo
એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમેં મધ્યપ્રદેશમાંથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢી જામનગર લઈ આવ્યા આરોપીને 2014 ની સાલમાં લાલપુરની એક સગીરાના અપહરણના ગુનામાં છ વર્ષની સજા પણ થઈ ચૂકી છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક હાપામાંથી બે વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી જનાર આરોપી મધ્યપ્રદેશમાંથી પકડાયો

Jamnagar Police : જામનગર નજીક હાપા વિસ્તારમાંથી આજથી બે વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી શોધી કાઢ્યો છે, અને તેની સાથે રહેલી ભોગ બનનાર સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ ગઈ છે, જેને સાથે લઈને જામનગર આવ્યા બાદ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં આજથી બે વર્ષ પહેલા એક શ્રમિક પરિવારની 16 વર્ષની પુત્રીનું અપહરણ થઈ ગયું હતું, અને કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ એ.એ.ખોખર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, અને હ્યુમન સોર્સીસના આધારે ચોક્કસ કડી મેળવી લઈ તપાસનો દોર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા સુધી લંબાવ્યો હતો.

જે અન્વયે એ.એ.ખોખર (પોલીસ ઇન્સ્પેકટર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, જામનગર) અને તેઓની ટીમના એ.એસ.આઇ આર.કે.ગઢવી વગેરેએ હ્મુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામના વતની એવા આરોપી હિતેશપરી નટુપરી ગોસ્વામી (ઉ.વર્ષ. 33)ને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામમાંથી ઝડપી લીધો હતો, અને તેને જામનગર લાવ્યા છે.

આ ઉપરાંત તેની સાથે ભોગ બનનાર પણ મળી આવી હતી. જે હાલ પુખ્ત વયની બની ગઈ છે. પોલીસે તેને પણ સાથે લાવ્યા હતા, અને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. જયારે આરોપી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો સહિતની કલમોનો ઉમેરો કરીને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

 આરોપી હિતેશપરી ગોસ્વામી સામે 2014ની સાલમાં લાલપુર પોલીસ મથકમાં પણ અગાઉ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં પણ તેને અદાલત દ્વારા છ વર્ષની સજા ફટકારી હતી. અને 2021 ની સાલમાં સજા પૂરી કરીને બહાર આવ્યો હતો, અને  ફરીથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો, જેની અટકાયત કરી લેવામાં આવી છે.