Gujarat

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

By GS TEAM
19 Aug 20252 mins read
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

ગાંધીનગર નજીક આવેલા મગોડીમાં અઢી વર્ષ અગાઉ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ આરોપીને ૪૦ હજારનો દંડ ઃ ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના મગોડી ખાતે અઢી વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામ ખાતે રહેતી સગીરાને આરોપી પ્રવીણ જોઈતાભાઈ રાઠોડ રહે મીઠી પારડી, દિયોદર, બનાસકાંઠા દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી ગત ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મગોડી ગામેથી બાઈક ઉપર અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જે સંદર્ભે આ સગીરાની માતા દ્વારા ચિલોડા પોલીસ મથકમાં આરોપી પ્રવીણ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી પ્રવીણ જોઈતાભાઈ રાઠોડને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૪૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.