કલોલમાં પરિચિત વ્યક્તિએ જ કારસ્તાન કર્યું હતું
કલોલની સેશન્સ કોર્ટ દ્વારા પોકસોના ગુનામાં સજા ફટકારાઇ સગીરાને રૃપિયા ૫૦ હજાર વળતર ચૂકવવા હુકમ કરાયો
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ
કલોલ વિસ્તારમાં રહેતી સગીરા માય લાઈફ હોસ્પીટલ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે
તેનો પારિવારીક પરિચિત યુવાન વિજય હિરાજી રાઠોડ કાર લઈને ત્યાં આવ્યો હતો અને
તેણીને ઘરે મુકી જવાની વાત કરી હતી. જોકે સગીરાને ઘરે મૂકવાને બદલે કલોલની
કે.આઈ.આર.સી કોલેજ પાછળના સૂમસામ રોડ પર લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી
વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાના ઈરાદે તેને ગાડીમાં ગોંધી રાખી હતી. સગીરાના હાથ, હોઠ અને ગળા પર
અડપલાં કરી તેમજ તેની છાતી પર હાથ ફેરવી જાતીય સતામણી કરી હતી. જ્યારે સગીરાએ આ
કૃત્યનો પ્રતિકાર કર્યો, ત્યારે
ઉશ્કેરાઈને તેને ગાળો આપી,
મોં પર ફેંટો મારી ઈજાઓ પહોંચાડી હતી અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી
નાંખવાની ધમકી આપી હતી.
જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ કલોલ કોર્ટના પાંચમાં એડિશનલ
સેશન્સ જજ બી.આર.રાજપુતની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ રાકેશ એલ.
પટેલ અને જે.એચ.જોષી દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તેમજ પુરાવાઓને ગ્રાહ્ય રાખી
કોર્ટે આરોપી વિજય રાઠોડને કસૂરવાર ઠેરવી પોકસો એક્ટની કલમ મુજબ ત્રણ વર્ષની સખત
કેદની સજા અને ૧૫ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સગીરાને ૫૦ હજાર રૃપિયા
વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.


