Gujarat

ઠગાઈ કરનાર 6 વર્ષથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

By GS TEAM
5 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2020માં લોન અપાવવાના બહાને મહિલાઓ અને અન્ય લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર અને છેલ્લા 6 વર્ષથી પોલીસથી બચવા ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી શાહરૂખ ઉર્ફે જાવેદ હસનશા દીવાનને કરજણ તાલુકાના કણભા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઠગાઈ કરનાર 6 વર્ષથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

Vadodara Fraud Case : વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2020માં લોન અપાવવાના બહાને મહિલાઓ અને અન્ય લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર અને છેલ્લા 6 વર્ષથી પોલીસથી બચવા ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી શાહરૂખ ઉર્ફે જાવેદ હસનશા દીવાનને કરજણ તાલુકાના કણભા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કામગીરી કરી રહી છે. આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળેલી બાતમીના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી શાહરૂખ ઉર્ફે જાવેદ હસનશા દીવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી વર્ષ 2020માં પોતાના સાગરીતો સાથે મળીને ખોટી ફાઇનાન્સ કંપનીના નામે લોન અપાવવાના ફોર્મ ભરાવી લોકોને વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ લોન મંજૂર કરાવવાના બહાને રૂપિયા વસૂલી લેતો હતો, પરંતુ લોન અપાવતો નહોતો. નવાપુરા વિસ્તારમાં મહિલાઓ અને અન્ય વ્યક્તિઓ પાસેથી રૂ.14 હજાર મેળવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીએ રૂપિયા પરત માંગતા આરોપીઓએ ધમકી પણ આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આ ગુનામાં આરોપીની સંડોવણી સામે આવ્યા બાદ તે છેલ્લા છ વર્ષથી ફરાર હતો. પોલીસ તપાસથી બચવા માટે તે સતત ઠેકાણા બદલતો રહેતો હતો અને માત્ર રાત્રિના સમયે જ પોતાના ગામ કણભા ખાતે આવતો હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કણભા ગામમાં વોચ ગોઠવી મોડી રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીનું નામ શાહરૂખ ઉર્ફે જાવેદ હસનશા દીવાન (રહે. મસ્જિદ ફળિયું, કણભા ગામ, તા. કરજણ, જી. વડોદરા) હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીને વધુ કાર્યવાહી અને તપાસ માટે નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.