Gujarat

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા

By GS TEAM
12 Feb 20261 min read
TukuTouch Logo
અગાઉ ચાર કેસોમાં સજા પામેલા આરોપીના તમામ બચાવો કોર્ટે ફગાવ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા

Jamnagar Court : જામનગરના મહિલા વીણાબેન જોશી પાસેથી આર્થિક જરૂરિયાતના નામે રૂ.3,00,000 ની રકમ હાથ ઉછીની લીધા પછી તેના બદલામાં આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપી પિયુષ મોહનભાઈ લુદરીયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવવાનો ચુકાદો આપ્યો છે.

જામનગરમાં રહેતા વીણાબેન જોશી પાસે આરોપી પિયુષ લુદરીયાએ પોતાની જરૂરિયાત માટે રૂ.3,00,000 ની રકમ ઉછીની લીધી હતી. આ રકમની પરત ચુકવણી માટે આરોપીએ ચેક આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા 'અપૂરતા ભંડોળ' ના કારણે પરત ફર્યો હતો. આ અંગે વીણાબેને અદાલતમાં ફરિયાદ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન આરોપી દ્વારા અનેક કાયદાકીય ગૂંચવણો અને બચાવો રજૂ કરી કેસને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ફરિયાદી પક્ષના વકીલોની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના તમામ બચાવો ફગાવી દીધા હતા. અને અદાલતે આરોપી પિયુષ મોહનભાઈ લુદરીયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ ફરિયાદીને ચેક મુજબની રકમ રૂ.3,00,000 આગામી ત્રણ માસમાં ચૂકવી દેવા પણ આરોપી સામે આદેશ કર્યો છે. આરોપી પિયુષ લુદરીયા સામેના અગાઉ પણ આવા જ અન્ય ચાર કેસોમાં સજા થયેલી છે. આરોપીએ આ સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલો કરી હતી, પરંતુ તેની ગુનાહિત માનસિકતાને જોતા સેશન્સ કોર્ટે પણ તેની અપીલો ફગાવી દીધી છે.