સગીરા પર બળાત્કાર અને આત્મહત્યા કેસમાં આરોપીને 20 વર્ષ જેલની સજા

- રાજપીપલા તાલુકામાં નોંધાયેલ
- સગીરા ગર્ભવતિ બનતા સોલિયા ગામના પ્રેમીએ તરછોડી દીધી હતી જેથી લાગી આવતા સગીરાએ આપઘાત કરી લીધો હતો
સોલિયા ગામના આરોપી ઈન્દ્રમણી દલસુખભાઈ વસાવાને ભોગ બનનાર સગીરા જોડે પ્રેમ સંબંધ હતો અને જે તે સમયે ભોગબનનારની ઉંમર ૧૪ વર્ષ ૮ માસ હતી, તે સમયે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરેલી હતી.
સગીરાના પિતાને કાયદાનું જ્ઞાન ન હોવાથી જે તે સમયે કાયદાકીય પોલીસ કાર્યવાહી કરેલ ન હતી, અને તે પછી ગુનો દાખલ થયાના એક વર્ષ પહેલા સગીરાએ દિકરીને જન્મ આપ્યો હતો અને તે પછી સગીરા આરોપીના ઘરે જતા આરોપીએ જણાવેલ કે તુ બિમાર જેવી રહે છે. જેથી હું તને મારી સાથે રાખવાનો નથી. ત્યારબાદ સગીરા અવાર-નવાર ઇન્દ્રમણીને ઘરે જતી હતી પરંતુ આરોપીએ તેનો સ્વીકાર કરેલ નહીં અને ગાળો બોલી કાઢી મુક્તો હતો.તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સગીરાએ પોતાના ઘરમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલે પુરાવાઓ અને દલીલો રજૂ કર્યા હતા.
જેના આધારે જ્જે આઇપીસી અને પોક્સોની વિવિધ કલમ અંતર્ગત આરોપી ઇન્દ્રમણી દલસુખ વસાવાને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની કેદ તથા રૂ.૫૦,૦૦૦ દંડની સજાનો તથા પીડિતાના પરિવારને રૂ. ૭ લાખ વળતર પેટે ચુકવવા માટે હુકમ કર્યો છે.








