Gujarat

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો

By GS TEAM
25 Feb 20261 min read
ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા  પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો

અમદાવાદ,બુધવાર

ભદ્રમાં આવેલી ફેમીલી કોર્ટમાં હાજર પતિએ ૧૬ મહિનાનું ભરણરપોષણ આપવાની ના પાડતા કોર્ટે ૧૮૦ દિવસની સાદી કેદની સજા કરી હતી. પરંતુ, પતિ કોર્ટમાંથી ફરાર થઇ જવાની ઘટના બની હતી. આ અંગે કાંરજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં રહેતી રૂબીના ગનીયાણીએ  સુરત અડાજણમાં રહેતા તેના પતિ ઝુબેર લોહીયા વિરૂદ્ધ ભદ્ર ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં કોર્ટે માસિક સાત હજાર લેખેની રકમ નક્કી કરી હતી.

પરંતુ, ૧૬ મહિના સુધી ઝુબેરે ભરણપોષણની રકમ ન ચુકવતા તેને કોર્ટે વોંરટ કાઢીને કોર્ટમાં બોલાવ્યો હતો અને તેને બાકી ભરણ પોષણની કુલ રકમ ૧.૧૨ લાખ ભરવા માટે કહ્યું હતું.  જો કે ઝુબેરે નાણાં આપવાની ના કહેતા કોર્ટે તેને એક મહિના ભરણપોષણ ન ભરવાની સામે ૧૫ દિવસ લેખે કુલ ૧૮૦ દિવસની સજા કરી હતી.

જેલ વોરંટ  ભરવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટ પરિસર ન છોડવા માટે આદેશ કરાયો હતો. પરંતુ,તકનો ગેરલાભ લઇને ઝુબેર કોર્ટમાંથી ફરાર થઇ ગયો હતો.જે મળી ન આવતા કાંરજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.