વડોદરા,શહેર નજીકના શેરખી ગામમાં અફીણનો ધંધો કરતા આરોપીને ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય એસ.ઓ.જી. ની ટીમને માહિતી મળી હતી કે, શેરખી ગામનો વિજયસિંહ ચંદ્રસિંહ પરમાર અફીણનો ધંધો કરે છે. જેથી, પોલીસે ટીમ બનાવી રેડ કરતા આરોપી વિજયસિંહ પરમાર ૩.૮૭ લાખની કિંમતના ૭૭૫ ગ્રામના અફીણના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસે વિજયસિંહ સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે . પોલીસે તેની પાસેથી અફીણનો જથ્થો,બાઇક, મોબાઈલ અને રોકડા મળી કુલ ૩.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અફીણ ક્યાંથી લાવ્યો હતો,કોને વેચતો હતો અને કેટલા સમયથી ધંધો કરતો હતો, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ ૨૦૧૦માં પણ એનડીપીએસ નો ગુનો દાખલ થયો હતો.


