પ્રોવિઝન સ્ટોરની આડમાં દારૂનો ધંધો કરતો આરોપી ઝડપાયો
કલાલી ગુલાબી વુડાના મકાનના ગેટ પાસે પ્રોવિઝન સ્ટોરની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
કલાલી ગુલાબી વુડાના મકાનમાં રહેતો પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ગેટ પાસે બંધ બોડીના ટેમ્પામાં પ્રોવિઝન સ્ટોરની દુકાનની આડમાં વિદેશી દારૃનો જથ્થો મૂકી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશપ્રસાદ કેશરી મળી આવ્યો હતો. તેના ટેમ્પામાં પોલીસે તપાસ કરતા દારૂ અને બિયરની 90 બોટલ કિંમત રૂપિયા 15,900ની મળી આવી હતી. પોલીસને તેણે જણાવ્યું હતું કે, આ દારૂની બોટલો નિલેશ રાઠવા નામની વ્યક્તિ આપી ગયો હતો. હું છૂટક વેચાણ કરું છું. આ અંગે પીસીબીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.