દસાડાના વડગામમાં લૂંટ વિથ મર્ડર કેસનો આરોપી ઝડપાયો
ચાર મહિના પહેલા વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી
એલસીબીએ આરોપીની બોરસદના કીખલોડ ગામેથી ધરપકડ કરી લૂંટનો ૨.૭૧ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
સુરેન્દ્રનગર: દસાડા તાલુકાના વડગામ ખાતે અંદાજે ચાર મહિના પહેલા એક વૃધ્ધ મહિલાની હત્યા કરી તેને પહેરેલ દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા આ ચકચારી બનાવમાં પોલીસે આરોપીને બોરસદ તાલુકામાંથી ઝડપી પાડયો છે. પોલીસે આરોપી સહિત લૂંટના દાગીના કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડગામમાં એકલા રહેતા વૃદ્ધા શાંતિબેન શંકરભાઈ ડોડીયાની ગત તા.૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ઘરે સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ચોરી તેમજ લુંટના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન શાંતિબેન અચાનક જાગી જતા તેમની સાથે ઝપાઝપી કરી હતી અને ગળુ દબાવી હત્યા નિપજાવી કાન કાપી કાનમાં પહેરેલ સોનાની કાડીઓ, વારીયા, સોનાની બંગડી સહિતના દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બીજા દિવસે મૃતકના પુત્રવધુ મહિલાને ચા આપવા આવ્યા ત્યારે ઘટનાની જાણ થઇ હતી. આ અંગે દસાડા પોલીસને જાણ કરી હતી અને મૃતકના પુત્રએ અજાણ્યા શખ્સો સામે હત્યા તેમજ લુંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
લુંટ વીથ હત્યાના બનાવમાં ધ્રાંગધ્રા ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ વડગામ ખાતેથી હત્યા નીપજાવ્યા બાદ લુંટનો મુદ્દામાલ પોતાના વતન કીખલોડ (તા.બોરસદ) ખાતે સંતાડયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એક ટીમ કીખલોડ પહોંચી હતી અને આરોપી સતીષભાઈ રમેશભાઈ રાજપરમાર (ઉ.વ.૨૪)ને ઝડપી પાડયો હતો. તેમજ લૂંટ કરેલી સોનાની બંગડી નંગ-૨ (કિં.રૂા.૧,૪૭,૦૦૦), કાનમાં પહેરવાના વારીયા નંગ-૬ (કિં.રૂા.૧,૨૪,૦૦૦), સહિત કુલ રૂા.૨,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પુછપરછ કરતા લૂંટના ઈરાદે વૃધ્ધ મહિલાની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી.