નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે
- નદીમાંથી ચાર દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો હતો
- આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા બોરસદની જેલમાં મોકલવા આદેશ કરાયો
આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતો અજય પઢિયાર ગત તારીખ ૩૦ મી ઓગસ્ટના રોજ ગામની એક પાંચ વષય માસુમ બાળકીને મકાઈ અપાવવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો. ઘરેથી આરતી કરવા ગયેલી બાળકી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે આકલાવ પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં ગામની એક ફાઇનાન્સ કંપનીની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા અજય પઢીયાર બાળકીને બાઈક ઉપર લઈને જતો નજરે ચડયો હતો જેથી પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરી હતી .ચારેક દિવસ બાદ નિઝામપુરા નજીકની મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ને મોકલી આપ્યો હતો જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારાયું હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા અજય પઢિયારે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેણીને મીની નદીમાં ફેંકી દીધી હોવાનું ખુલવા પામ્યું હતું. અજય પઢિયારને આંકલાવ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આજે તેના રિમાન્ડ પુરા થતા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જયુડી કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે તેને બોરસદ સબ જેલમાં ધકેલી દીધો હતો.