Gujarat

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા

By GS TEAM
5 Dec 20252 mins read
આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા

વડોદરા : ચારણપુરા ગામથી વસનપુર જઇ રહેલા બે બાઇક સવાર સાથે કાર અથાડી હત્યાને અંજામ આપનારા આરોપીને અદાલતે કસુરદાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુરાવાને ધ્યાને લઇ ન્યાયાધીશે આરોપીને હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં ગુનેગાર ઠેરવ્યો હતો. આ બનાવમાં ફરિયાદીને પણ ગંભીર ઇંજા પહોંચી હતી.

કેસની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસનપુર ગામમાં રહેતા અજય હરમાનભાઇ ઠાકરડાને શંકા હતી કે, તેની પત્ની સાથે ગામમાં રહેતા અશોક ઠાકરડાને આડા સબંધ છે એટેલે આ અંગે તેમની વચ્ચે અગાઉ પણ ઝઘડા થયા હતા. આરોપી અજય કોઇ પણ રીતે અશોકની હત્યા કરવા માગતો હતો એટલે તેણે હત્યાના બનાવથી બચી શકાય તે માટે અકસ્માત દ્વારા અશોકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. તા.૧૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ અશોકભાઇ તેમજ તેના માસીનો દીકરો રાજુ બન્ને વહેલી સવારે દૂધ ભરવા માટે બાઇક લઇને ચારણપુરા ગામ ગયા હતા.

દૂધ ભરીને બન્ને બાઇક પર પરત આવી રહ્યાં હતા ત્યારે આરોપી અજય ઠાકરડાએ તેની કાર પુર ઝડપે ચલાવી અશોકભાઇની બાઇક સાથે અથાડતા અશોક તેમજ રાજુને ગંભીર ઇંજાઓ પહોંચી હતી. અકસ્માત કર્યા બાદ આરોપી છરી જેવું હથિયાર લઇને ફરિયાદીને મારવા પણ દોડયો હતો. દરમિયાનમાં સારવાર દરમિયાન રાજુનું મોત થતાં આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ સાવલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેની સુનવણીમાં સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ આરોપી અજય ઠાકરડાને આજીવન કેદની સજા ફટકારી હતી, તેમજ હત્યાના પ્રયાસના બનાવમાં દસ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. અદાલતે આરોપીને રૃા.૨૦ હજારનો દંડ કર્યો હતો અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો હતો.