હાથીખાનામાં ડૂપ્લિકેટ વિદેશી દારૃ બનાવતો આરોપી ઝડપાયો

વડોદરા,ભંગારની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીની દારૃની બોટલો લાવી તેમાં સસ્તો વિદેશી દારૃ ભરી ગ્રાહકોને વેચવામાં આવતો હોવાનો બીજો કિસ્સો બહાર આવ્યો છે. પીસીબી પોલીસે હાથીખાના વિસ્તારમાં રહેતા આરોપીને ઝડપી પાડયો છે. અગાઉ ૨૬ મી તારીખે પીસીબીએ અજબડી મિલ વિસ્તારમાં આ રીતે ડૂપ્લિકેટ દારૃ તૈયાર કરી વેચતા આરોપીને ઝડપી પાડયો હતો.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,હાથીખાના પટેલ ફળિયા ઝમઝમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો અઝીમ મેમણ દમણથી વિદેશી દારૃની સસ્તી બોટલો લાવે છે અને વારસિયા વિસ્તારમાંથી અલગ - અલગ ભંગારની દુકાન તેમજ ગોડાઉનમાંથી વિદેશી દારૃની બ્રાન્ડેડ બોટલો લાવી તેમાં ફ્લેવર્ડ ઉમેરી ફરીથી પેક કરી ગ્રાહકોને વેચે છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા અઝીમ ઇસ્માઇલભાઇ મેમણ મળી આવ્યો હતો. તેના મકાનમાંથી દારૃની બોટલો, ફ્લેવર્ડની બોટલો, વિદેશી દારૃ ભરેલા કારબા અને ઢાંકણા મળી આવ્યા હતા. તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું દમણથી દારૃની બોટલો લાવી કારબામાં ભરી તેમાં પાણી અને ફ્લેવર્ડ ઉમેરી બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં ભરીને વેચાણ કરૃં છું. પોલીસે દારૃ ભરેલા ૬ કારબા, કાચની ૧૭ બોટલ, વિદેશી દારૃની ૯૦ ખાલી બોટલ, ઢાંકણા, ફ્લેવર્ડની ૧૬ બોટલ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૮,૧૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અઝીમ સામે અગાઉ દારૃના ૪ સહિત કુલ ૬ ગુનાઓ દાખલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૬ મી તારીખે આ રીતે જ ડૂપ્લિકેટ દારૃ બનાવતા અશોકભાઇ ધવલ કહાર (રહે. સાંઇ માલા એપાર્ટમેન્ટ, કૂતરાવાડી, અજબડી મિલ) ઝડપી પાડયો હતો.








