સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
અઢી વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
૩૦ હજારનો દંડ ભરવા પણ હુકમ ઃ સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો
ગાંધીનગર : ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢી વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી સાબરકાંઠાના ઇડર ખાતે લઈ જઈ બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
રહેતી સગીરાને ગત ૨૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ આરોપી વિજયકુમાર ઉર્ફે સુરપાલ બળવંતભાઈ
પગી રહે, ખારોલ
તાલુકો લુણાવાડા,જીલ્લો
મહીસાગર દ્વારા અપહરણ કરીને અમદાવાદથી ઇડરના કૃષ્ણનગર ખાતે લઈ જવામાં આવી હતી અને
જ્યાં તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યાંથી તેણીને અરવલ્લીના
મોહનપુરા ગામ ખાતે લઈ જવામાં આવી હતી અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જે
સંદર્ભે આ આરોપી સામે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને
પોલીસ દ્વારા આરોપી વિજયની ધરપકડ કરીને ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દેવામાં
આવ્યું હતું. જે કેસ ગાંધીનગરના બીજા અધિક સેશન્સ જજ જતીન.એન ઠક્કરની કોર્ટમાં
ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર
પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે
તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી
જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી વિજયકુમાર ઉર્ફે સુરપાલ બળવંતભાઈ
પગીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૩૦ હજારનો દંડ ભરવા પણ
હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ
બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.