Gujarat

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

By GS TEAM
11 Jul 20252 mins read
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

ત્રણ વર્ષ અગાઉ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

વટવા ખાતે ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું  કલોલની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી વટવા ખાતે લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ કલોલની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૩ ઓગસ્ટ ૨૨ ના રોજ કલોલ તાલુકાના પાનસર ગામના મેહુલ ઈશ્વરભાઈ રાવળ દ્વારા સગીરાનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને વટવા જીઆઈડીસી અને નારોલ જીઆઇડીસી ખાતે લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જે સંદર્ભે સગીરાના વાલીએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો અને જે કેસ કલોલના પાંચમાં એડિશનલ સેશન્સ જજશ્રી બી.આર રાજપુતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ આર.એલ. પટેલ દ્વારા ભોગ બનનાર તેમજ ફરિયાદી અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી અને ૩૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી ૧૩ સાહેદોની જુબાની લીધી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી મેહુલ ઈશ્વરભાઈ રાવળને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.