Gujarat

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર જામનગરનો વિશાલ કણસાગરા અને તેના સાગરીતના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા

By GS TEAM
21 Jan 20262 mins read
TukuTouch Logo
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા અને તેના એક સાગરીતને જામનગર સાયબર પોલીસે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે બન્નેની રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલ ભેગા કરી દેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર જામનગરનો વિશાલ કણસાગરા અને તેના સાગરીતના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા

Jamnagar : જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા અને તેના એક સાગરીતને જામનગર સાયબર પોલીસે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે બન્નેની રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલ ભેગા કરી દેવાયા છે.

 જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની આઇ.ડીના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

 આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

 દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં સૌ પ્રથમ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બંનેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બંનેને જેલ હવાલે કરી દેવાયા હતા, જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે અગાઉ પકડાયેલા આરોપી પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો હતો, જેને અદાલત સમક્ષ રજુ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો હતો.

 પોલીસ દ્વારા તેના બે મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા હતા, અને ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન તેને જામનગર પંથકની તમામ માહિતી ધ્રોલમાં રહેતો રાજેન્દ્રસિંહ સોલંકી નામના સાગરીત પુરી પાડતો હોવાનું કબૂલ્યું હોવાથી જામનગર સાઈબર ક્રાઇમ પોલીસની ટીમે ધ્રોળના વતની રાજેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરી તેને પણ બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. 

જે બંનેની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા અને તેના સાગરીત બંનેને જેલ હવાલે કરી દેવાયા છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, અને તમામ જેલહવાલે થયા છે. તેઓના પાંચ મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જે તમામની કોલ ડીટેઇલ મેળવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.