Get The App

થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા 1 - image

ડ્રોના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ હતા

મહંતે છાતીમાં દુખાવાનું બહાનું ધરતા લોકઅપની બહાર કાઢયા હતા ઃ પોલીસની કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગર -  ગઢ તાલુકાના તરણેતર ખાતે ઈનામી લક્કી ડ્રોના નામે રૃ.૩.૦૯ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલા અનસૂયા આશ્રમના મહંત રામદાસ બાપુ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે. ફરાર મહંતને ઝડપી પાડવા માટે પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે.

થાનગઢ પોલીસ લોકઅપમાં રહેલા મહંતે છાતીમાં દુખાવાનું બહાનું કાઢી અને બહાર બેસાડવા માટેની માંગ કરી હતી. પોલીસે તેમને માનવતાના ધોરણે લોકઅપની બહાર કાઢયા હતા અને આ તકનો લાભ ઉઠાવી મહંત રામદાસ બાપુ પોલીસની નજર ચૂકવી ગણતરીની મિનિટોમાં પોલીસ મથકમાંથી નાસી છૂટયા હતા. પોલીસ મથક જેવા સુરક્ષિત સ્થળેથી આરોપીના ફરાર થવાના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

તરણેતર ખાતે ગૌશાળા અને આશ્રમના લાભાર્થે તંત્રની મંજૂરી વગર ઈનામી ડ્રોની સ્કીમ શરૃ કરવામાં આવી હતી. આયોજકોએ એજન્ટો મારફતે આશરે ૬૧,૦૦ ટિકિટો વેચી કુલ રૃ. ૩.૦૯ કરોડ ઉઘરાવ્યા હતા અને બાદમાં ડ્રો રદ કરી રકમ ઓળવી ગયા હતા. આ મામલે પોલીસે કુલ છ આયોજક અને મહંત સહિત ૭ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી  (૧) લગધીરભાઈ કે.કારેલીયા (૨) સુરેશભાઈ આર.ઝરવરિયા (૩) મેરાભાઈ એસ.ડાભી (૪) નરશીભાઈ ડી.સોલંકી અને (૫) રામદાસ મહાત્યાગી ઉર્ફે રામદાસ બાપની ધરપકડ કરવામાં આવી હતી. ફરાર મહંતને ઝડપી પાડવા માટે ડીવાયએસપી અને પીઆઇ સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. બીજી તરફ, આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય બે આયોજક હીરાભાઈ જે.ગ્રામભડિયા અને રમેશભાઈ સી.ઝેઝરીયા હજુ પોલીસ પકડથી દૂર છે.