૧૭ વર્ષ પહેલા થયેલી હત્યામાં સંડોવાયેલો આરોપી યુ.પી.થી ઝડપાયો

વડોદરા,મકરપુરામાં ૧૭ વર્ષ પહેલા ગોળી મારીને કરવામાં આવેલી હત્યાના ગુનાના આરોપીને એલ.સી.બી.ની ટીમે યુ.પી.થી ઝડપી પાડયો છે. આરોપી પર સરકારે ૧૦ હજારનું ઇનામ પણ રાખ્યું હતું.
મકરપુરા જશોદા કોલોની તુલસીનગરમાં રહેતા વિરેન્દ્ર રાજકિશોર મિશ્રાની સાથે રહેતા ત્રણ વ્યક્તિઓ તથા મકાન માલિક યોગેન્દ્રપ્રસાદ પટેલ સાથે મળી કપાળના ભાગે ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીઓ ભાગી ગયા હતા. વર્ષ - ૨૦૦૮ માં નોંધાયેલા આ ગુનામાં પોલીસે તપાસ હાથ ધરતા ત્રણ આરોપીઓની ઓળખ થઇ હતી. જેમાં (૧) બાબુચંદ રામતીરા તુલસી રાજભર (૨) મુકેશ ઇન્દ્રપાલસિંગ ઠાકુર (૩) હરિશ ઉર્ફે હરિશ્યામ સંપત પાસવાન હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ પૈકીના એક આરોપી બાબુચંદને પોલીસે વર્ષ - ૨૦૦૯ માં ઝડપી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અગાઉ મુકેશ ઠાકુરના ઘરે ચોરી થઇ હતી. જે ચોરીની શંકા રાખી મુકેશે દેશી તમંચાથી ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ ગુનામાં સામેલ આરોપી હરિશ ઉર્ફે હરિશ્યામ (મૂળ રહે. પોહરીયા ગામ,જિ.દેવરિયા, યુ.પી.) ૧૭ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. તેની સામે પોલીસે સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ પણ મેળવ્યું હતું. આરોપી યુ.પી.ના અલગ - અલગ શહેરોમાં રહેતો હતો. થોડા સમય પહેલા તે હૈદ્રાબાદ થી પોતાના વતનમાં આવ્યો હોવાની માહિતી એલ.સી.બી. ઝોન - ૩ ને મળી હતી. જેથી, ડી.સી.પી.અભિષેક ગુપ્તાની સૂચના મુજબ પી.એસ.આઇ. એસ.એ.ફુલધારાએ યુ.પી.થી આરોપીને ઝડપી પાડયો હતો.








