વડોદરા : કરજણ તાલુકાના સાપા ગામમાં રહેતા યુવકની વર્ષ ૨૦૧૯માં પડોશમાં રહેતા એક યુવકે પારીયાના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.ન્યાયાધીશે મૃતક યુવકને સગીર દિકરી હોઇ તેની પત્ની અને દીકરીને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, સુમીત્રાબહેનની દિકરી આરતીના લગ્ન ,સાપા ગામમાં રહેતા શેલેષ વસાવા સાથે થયા હતા. શૈલેષ અને આરતીને એક દીકરી
તનુ હતી અને તેની તબિયત સારી ન હોઇ ફરિયાદી દીકરીના ઘરે ગયા હતા. તા.૧૧ એપ્રિલ
૨૦૧૯ના રોજ આરતી દીકરી તનુને લઇ કરજણ દવાખાને ગઇ હતી. બપોરના સમયે જમાઇ શૈલેષ જમવા
માટે આવ્યા હતા અને જમીને તેઓ ઘર નજીક ખાટલા પર સુતા હતા.
બપોરે અચાનક જ જમાઇએ બુમાબુમ કરતા સુમીત્રાબહેન દોડીને ઘરની
બહાર આવતા તેમની નજર સામે જ આરોપી અરવિંદ સોમાભાઇ વસાવા નામના શખ્સે પારીયાથી
તેમના જમાઇને ગળાના ભાગે ત્રણ ઘા માર્યા હતા અને ત્યાર બાદ તે ફરાર થઇ ગયો હતો.
ઇજાગ્રસ્ત શૈલેષને સારવાર માટે કરજણ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ તેને મૃત
જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી અરવિંદ વસાવા
(રહે.સાપા)ની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન આરોપી અરવિંદ અગાઉ શૈલેષના ઘર પાસે રહેતો હતો અને
તે સમયે શૈલેષને તેની પત્ની સાથે આડો સબંધ હોવાની શંકા રાખી અરવિંદ ઝઘડો કરતો
હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા કેસમાં ૨૦ મૌખિક અને ૨૬
દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા. કેસમાં સરકારી વકીલ જીજ્ઞોશ કંસારાએ દલીલો
કરી હતી. ન્યાયાધીશે આરોપી અરવિંદ સોમાભાઇ વસાવાને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી
આજીવન કેદની સજા કરી હતી. આરોપીએ તે ખુબ જ ગરીબ હોવાનું તેમજ તેની પત્ની બીમાર
રહેતી હોવાની રજૂઆત કરતા ન્યાયાધીશે આરોપીને માત્ર રૃા.૧ હજારનો દંડ કર્યો હતો.


