Gujarat

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા

By GS TEAM
21 Sep 20252 mins read
ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા

ગૌમાંસ હોવાનું રિપોર્ટ આવતા પોલીસની કાર્યવાહી  અન્ય પાંચ આરોપીને પકડવા માટે પોલીસની કવાયત

માણસા :  માણસા તાલુકાના ઇટાદરા ગામે પોલીસ તેમજ ગૌરક્ષકોએ રજવીપુરામાં એક ઈસમના મકાનની બાજુના ઢાળિયામાંથી પશુમાંસનો જથ્થો ઝડપ્યો હતો જેને એફએસએલમાં મોકલવામાં આવતા આ ગૌમાંસ હોવાનો ખુલાસો થયો હતો જે ગુનાના આરોપીને પોલીસે ઝડપી રિમાન્ડ દરમિયાન આ આરોપીએ તેની સાથેના બીજા પાંચ સહ આરોપી સામેલ હોવાનું જણાવ્યું હતું અને આ ગુનાના કામે વપરાયેલા સાત વાહનો પોલીસે કબજે કરી અન્ય આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

ગત ૧૦ તારીખે માણસા તાલુકાના ઈટાદરા ગામે રજવીપુરામાં રહેતો શબ્બીરખાન અહેમદખાન પઠાણ ના ઘરની પાસે બનાવેલી લોખંડના પતરાવાળા ઢાળિયામાં પશુ માંસ પડયું હોવાની માહિતીને આધારે માણસા પોલીસ તેમજ ગૌરક્ષકો આ સ્થળે પહોંચી ગયા હતા અને તે દરમિયાન પોલીસે પશુ ચિકિત્સક ને બોલાવી માંસના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલ્યા હતા તો આ વખતે આ મકાનની બહાર અન્ય બે ગાય અને બે બકરીઓ પણ મળી આવી હતી જેને પોલીસે ગૌશાળામાં મોકલી આપી હતી જ્યારે જે માંસ મળી આવ્યું હતું તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો તો એફએસએલના રિપોર્ટ માં મળી આવેલા માંસ ગૌમાંસ હોવાનું જણાયું હતું જેથી માણસા પોલીસે ગાયનું માંસ રાખનાર શબ્બીરખાન અહેમદખાન પઠાણ વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો અને બે દિવસના રિમાન્ડ દરમિયાન તેના આ ગુનામાં અન્ય  (૧) ઇમતાજખાન ઉર્ફે કિલ્લી હબીબખાન બેલીમ (રહે. ઇટાદરા ગામ, તા.માણસા)  (૨) આદિલહુસેન જાકીરહુસેન બેલીમ (રહે. ઇટાદરાગામ તા.માણસા)   (૩) મનોજ ઉર્ફે બાદશાહ ગાભાભાઇ સેનમાં (રહે.બોરૃ તા.માણસા)  (૪) રફિકભાઇ મહેમુદભાઇ મલેક (રહે.સે-૨૯, મ.નં.૭૮૮/૨, સરકારી દવાખાનાની પાછળ, ગાંધીનગર) (૫) શકિલ શક્કર (રહે.જુહાપુરા અમદાવાદ) પણ સહ આરોપી હોવાનું કબુલાત કરી હતી અને આ પ્રવૃત્તિ માટે સાત જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતા.  પોલીસે કબજે કરી ઝડપાયેલા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે ત્યારે બાકીના પાંચ ફરાર આરોપીને ઝડપી પાડવા માણસા પોલીસે કવાયત હાથ ધરી છે.