Gujarat

સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ

By GS TEAM
18 Sep 20251 min read
સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ

- નડિયાદ પોક્સો કોર્ટે 10 હજાર દંડ પણ ફટકાર્યો

- દોઢ વર્ષ અગાઉ મહેમદાવાદમાં મોબાઈલ આપવાના બહાને આરોપીએ સગીરાને ઘર પાસે બોલાવી હતી

નડિયાદ : મહેમદાવાદમાં સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને ૩ વર્ષની સખત કેદ અને ૧૦ હજારનો દંડ નડિયાદ પોક્સો કોર્ટે ફટકાર્યો છે. ભોગ બનનારને ૫૦ હજાર વખતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

મહેમદાવાદના ખાત્રજ દરવાજા ટાવરની બાજુમાં ૧૬ માર્ચ, ૨૦૨૪ના રોજ આરોપી સિકંદર મન્સુરીએ ફરિયાદીની ૧૦ વર્ષ અને ૫ મહિનાની દીકરીને મોબાઈલ આપવાની લાલચ આપી પોતાના ઘર પાસે બોલાવી હતી. 

ત્યાં તેણે પોતાનો જાતીય ઈરાદો પાર પાડવા માટે પોતાના કપડાં ઉતારી નગ્ન થઈ ગયો હતો અને બાળકીને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે. આ ઘટના બાદ બાળકીના પરિવારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પોક્સો જજ પી. એમ. ત્રિવેદીએ આરોપી સિકંદર મન્સુરીને દોષિત ઠેરવી ૩ વર્ષની સખત કેદ સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ઉપરાંત, કોર્ટે ભોગ બનનારને સરકારના ઠરાવ મુજબ ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.