Vapi Court : વાપી વિસ્તારમાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં નરાધમ પાડોશી આરોપીને વાપી એડિશનલ સેશન્સ કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. વર્ષ 2023માં હવસખોર આરોપીને બાળકને તેની રૂમમાં લઈ ગયા બાદ ગંભીર કૃત્ય કર્યું હતું.
કેસની વિગત એવી છે કે, વાપી નજીકના એક ગામમાં પરિવાર રહે છે. ગત તા.20-8-23ના રોજ પરિવારની સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પાડોશમાં રહેતા પાડોશી હરીઓમ પ્રભુનારાયણ શર્માના ઘરે રમતા રમતા પહોંચી હતી. બાદમાં હરિઓમ કામવાસનામાં ચકચુર બની રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હવસખોર હરિઓમે માસૂમ બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હતા. બાળકી ઘરેથી ગાયબ થતાં માતા શોધવા નીકળી તે વેળા હરિઓમનો દરવાજો ખોલાવી પુત્રી અંગે પૂછતા તેણે રૂમમાં નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકી ઘરે પહોંચ્યા બાદ આખો મામલો બહાર આવ્યો હતો. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી હવસખોર આરોપી હરિઓમ શર્માની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી સામે ચાર્જશીટ રજૂ કર્યા બાદ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડીતા, પરિવારજનો સહિત લોકોની જુબાની મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા સાથે અનેક મુદ્દાઓ પર દલીલ કરી હતી. કોર્ટના જજ એચ.એન.વકીલે આરોપી હરિઓમ શર્માને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડિતાના પરિવારને માનશિક યાતના બદલ રૂ.20 હજાર વળતર પેટે ચુકવવા પણ આદેશ કર્યો છે.


