લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસીમાં રોકાણના બહાને રૂ. 7.62 કરોડની ચિટિંગના કેસમાં આરોપીના જામીન ના મંજૂર
આરોપી પાસેથી 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 સીમકાર્ડ, કોરા ચેક, 7 મોબાઈલ ફોન કબ્જે કરાયા
આરોપીએ નામાંકીત જ્વેલર્સ માંથી ઘરેણા ખરીદ્યા હોય તે રિકવર કરવાના બાકી
લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તથા એજન્ટ તરીકેની ઓળખ આપી ટૂંકા ગાળામાં વધુ નફાની લાલચે શહેરના વૃદ્ધને અલગ અલગ પોલીસીમાં રોકાણ કરાવી રૂ. 7.62 કરોડ ઉપરાંતની ચિટિંગના કેસમાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા હતા.
આરોપીઓએ ફરિયાદી યોગેશ ઝીણાભાઈ દેસાઈ (રહે - ગોરવા ,વડોદરા)નો ઓનલાઇન સંપર્ક કરી અલગ અલગ પોલીસી તથા અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં નાણાં રોકાણ કરાવી રોકાણના રૂપિયા નફા સાથે પરત ન આપી રૂ. 7,62,64,330ની છેતરપીંડી અંગે ગઈ તા. 28 ફેબ્રુઆરીના રોજ સીઆઇડી સાયબર ક્રાઈમ ખાતે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં જેલમાં રહેલ અભયકુમાર રાજાલાલ પ્રસાદ (રહે - દિલ્હી/મૂળ રહે - બિહાર)એ સેશન્સ જજ વિપુલ કે. પાઠકની કોર્ટમાં જામીન અરજી ગુજારતા અરજી સામે વાંધો ઉઠાવી તપાસ અધિકારીએ સોંગદનામુ રજૂ કરતા ધારાશાસ્ત્રી ડીજીપી અનીલ એમ. દેસાઈની દલીલો હતી કે, ગુના વખતે ઉપયોગમાં લીધેલ અલગ અલગ ત્રણ મોબાઈલ નંબરના ધારક હાલના અરજદાર હોવાથી ગુનામાં ભૂમિકા સ્પષ્ટ થાય છે. તેની પાસેથી 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 સીમકાર્ડ, કોરા ચેક, 7 મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. આરોપીએ નામાંકીત જ્વેલર્સ માંથી ઘરેણા ખરીદ્યા હોય તે રિકવર કરવાના બાકી છે. આરોપીને જામીન મળે તો તપાસને નુકસાનની શક્યતાને નકારી શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અગાઉ અભયકુમાર શિલકુમાર કશ્યપ (રહે - ઉત્તર પ્રદેશ) ની ધરપકડ થઈ હતી. જ્યારે નિધિ રવિન્દ્રકુમાર ચૌહાણ ,ઝકી ઉર રહેમાન (રહે - દિલ્હી) સહિત ચાર શખ્સો હજુ ફરાર છે.