વડોદરા,મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે તથા વાડી રણમુક્તેશ્વર રોડ પર દારૃનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે બાદશા નગર ખાતે આવતા ત્યાં ખુલ્લા મેદાનમાં મોપેડ પર દારૃ ભરેલો થેલો લઇને ઊભેલા જયકુમાર મયૂરભાઇ શિવમ (રહે.સોમનાથ નગર, તરસાલી) ને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી દારૃ કબજે કર્યો છે.તેમજ મોપેડ ડિટેન કર્યું છે. જ્યારે અન્ય એક બનાવમાં રણમુક્તેશ્વર મંદિરની ચાલી પાસે એક વ્યક્તિ પોલીસને જોઇને ભાગવા જતા વાડી પોલીસે પીછો કરીને જયેશ ઉર્ફે ચચીયો શશીકાંતભાઇ ઝાપડીયા (રહે. રણમુક્તેશ્વર રોડ, વાડી) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૪ બોટલ કબજે કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો દિપસીંગ ઉદેસીંગ રાઠોડ પાસેથી લીધો છે. જેથી, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.


