કારમાં દારૃ ભરીને સુરત જતો આરોપી ઝડપાયો : ૧૩૦ બોટલ કબજે
પોલીસથી બચવા માટે કારમાં બે મહિલાઓને બેસાડી હતી
વડોદરા,કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને પોલીસથી બચવા માટે બે મહિલાઓેને સાથે રાખીને આવતા સુરતના આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસને માહિતી મળી હતી કે, સુરતમાં રહેતો ખીવારામ માળી પોતાની કારમાં દારૃ ભરીને વડોદરા તરફ આવી રહ્યો છે. પોલીસથી બચવા માટે તેણે કારમાં બે મહિલાઓને પણ બેસાડી છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ગોલ્ડન ટોલ નાકા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતા દારૃનો જથ્થો હતો. કાર ચાલક ખીવારામ પુનારામ માળી (રહે. માર્ક પોઇન્ટ,ખરવાસા રોડ,સુરત મૂળ રહે. રાજસ્થાન) કાવેરીબેન રાજુભાઇ પદમસાલી તથા આયશા રાહુલભાઇ હરમનપલ્લી ( બંને રહે. માન સરોવર આવાસ, ઘોડાદરા ગામ,સુરત, મૂળ રહે. આનંદ ફ્લેટ, બાપુનગર, અમદાવાદ) ની સામે ગુનો દાખલ કરી પોલીસે દારૃની૧૩૦ બોટલ કિંમત રૃપિયા ૫૮,૭૦૦, કાર, મોબાઇલ અને રોકડા મળીને કુલ રૃપિયા ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.