કારમાં વિદેશી દારૃ લઇને આવતો આરોપી ઝડપાયો
દારૃની ૧૫૪ બોટલ કબજે : બે આરોપી વોન્ટેડ
વડોદરા,કારમાં વિદેશી દારૃનો જથ્થો લઇને આવતા આરોપીને ડીસીપી ઝોન - ૩ ના એલ.સી.બી. સ્ટાફે ઝડપી પાડયો છે. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
ડીસીપી ઝોન - ૩ ના એલ.સી.બી. સ્ટાફને માહિતી મળી હતી કે, મિતેશ ઉર્ફે મિતો ભરતભાઇ પરમાર મહારાષ્ટ્ર પાસિંગની એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ગાજરાવાડી આર.સી.સી.રોડ સિયારામ નગરની ગલીમાં ઉતારવા આવવાનો છે. જેથી, પી.એસ.આઇ.એસ.એ. ફૂલધારા અને સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી કાર લઇને આવતા મિતેશ પરમાર (રહે. ચંદ્રભાણ ફેબ્રિકેશનની બાજુમાં, ગાજરાવાડી) ને ઝડપી પાડયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૧૫૪ બોટલ કિંમત રૃપિયા ૧.૩૮ લાખની કબજે કરી છે. પોલીસે કાર, મોબાઇલ અને દારૃ મળીને કુલ રૃપિયા ૪.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બે આરોપી ભાવેશ દિપકભાઇ રાજ (રહે. શાંતિનગર, ગાજરાવાડી) અને સફદાર ઉર્ફે ગુડ્ડુભાઇ અલી શેખ (રહે. મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કર્યા છે. મિતેશ સામે અગાઉ બે ગુના દાખલ થયા છે.