કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારની એક સગીરા ના અપહરણ અને દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી પ્રકરણમાં અદાલતે કાલાવડ તાલુકાના સોરઠા ગામના આરોપીને તકશીરવાન ઠરાવ્યો હતો, અને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે, જ્યારે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર આપવા આદેશ કરાયો છે.
આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉંમર વર્ષ 15 અને 9 માસ વાળીને આ કામના આરોપી પરેશ પ્રભાત ડાંગી (રહેવાસી સોરઠ ગામ તાલુકો કાલાવડ)વાળાએ ભોગ બનનાર સાથે મજૂરી કામ કરવા માટે આવતો હોય તેથી ભોગ બનનાર સાથે પરિચય કેળવી લલચાવી ફોસલાવી, હું તને પ્રેમ કરું છું અને મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી લીંબુડી ના બગીચામાં ખેતર વચ્ચે ત્રણથી ચાર મહિનામાં ભોગ બનનાર સાથે સાત થી આઠ વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
તારીખ 24.11ના રોજ લીંબુડીના બગીચામાં મજૂરી કામ કરતા હતા ત્યારે ભોગ બનનારને મારે તારી સાથે લગ્ન કરવા છે. ચાલ આપણે ભાગી જઈએ, તેવી લાલચ આપી નવાગામથી નીકળીને ત્યાંથી મછલીવડ ગામે લઈ જઈ ત્યાં છ દિવસ રાખેલી અને ત્યાં પણ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ મોટા વડાળા ગામે ત્યાંથી મહાદેવપુર બાદ તાલોદ ગામે લઈ ગયેલો અને તમામ જગ્યાએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યાર બાદ સોરઠ ગામમાં મજુરી કામ માટે રહેતા હોય અને ત્યાં પોલીસ આવી જતા બંને પકડાઈ ગયેલા. જે બાબતની ફરિયાદ કાલાવડ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 363,506-2,376,376-2, અને 376-3 તથા પોક્સો કલમ 4,5એલ અને 6 મુજબની ફરીયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પેશિયલ કોર્ટ મેજી. આર પી મોગેરા ની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે 16 જેટલા સાક્ષીઓ તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલા, તેમજ સરકારી વકીલ ની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો કલમ ચાર મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા 10,000 દંડ અને દંડના ભરે તો વધુ બે વર્ષની સજા તેમજ પોકસો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા 5,000 દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવા, તેવો હુકમ સ્પેશિયલ કોર્ટના જજ શ્રી આર પી મોગેરાએ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલા હતા.