Gujarat

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો

By GS TEAM
14 Oct 20252 mins read
ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો

 વડોદરા,ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી લોકોને ઇન્વેસ્ટ માટે લલચાવી આરોપીઓ મોટા નફાની લાલચે રોકાણ કરાવી છેતરપિંડી કરતા  હતા. આ ગુનામાં એક આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ દિલ્હીથી પકડી લાવી છે. 

હરણી રોડ સન એંટલિયામાં રહેતા સિનિયર સિટિઝન અજયકુમાર હરિપ્રસાદ ભટ્ટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફેસબૂક પર શેર માર્કેટની લિંક પર ક્લિક કર્યા પછી ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી  તેમાં મારી વિગતો અપલોડ કરી હતી. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોરેક્સ ટ્રેડિંગ કરવા માટે અલગ - અલગ એકાઉન્ટમાં ટૂકડે ટૂકડે ૨૩.૩૫ લાખ રૃપિયા ભર્યા હતા. તેમાં મોટી રકમ  પ્રોફિટ તરીકે દર્શાવી હતી. પરંતુ, તેમાંથી રૃપિયા વિડ્રો થતા નહતા. આ ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સની મદદથી આરોપીનું લોકેશન દિલ્હીનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસની એક ટીમે દિલ્હી જઇ તપાસ કરતા આરોપી  સાવન પ્રવિણકુમાર ખરબન્દા (રહે. ટાગોર ગાર્ડન, વેસ્ટ દિલ્હી) મળી આવ્યો હતો. જેથી, પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ૬૯ મોબાઇલ, એક લેપટોપ, ૩૫ ચેક બૂક, ૭૨ રબર સ્ટેમ્પ,૩ આધાર કાર્ડ, ૩ રાઉટર, ૩૮ ડેબિટ કાર્ડ, બે કોમ્પ્યુટર અને ૩૭ પાનકાર્ડ કબજે કર્યા છે. આરોપી પાસેથી ૧૦૦ થી વધુ બેંક ખાતાની વિગતો મળી છે. જેમાં કરોડો  રૃપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યું છે. આરોપી પાસેથી ૧૬૦ થી વધુ જી મેલ એકાઉન્ટની વિગતો મળી છે. તેમજ ૧૦૦ થી વધુ સીમકાર્ડ પણ મળ્યા છે.