એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો
સુરત દર્દીને મૂકવા જવાનું કહીને હોસ્પિટલ પરથી એમ્બ્યુલન્સ લઇ ગયો હતો
વડોદરા,હરણી ગદા સર્કલ પાસે આવેલી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટરની ચોરી કરનાર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડી વેન્ટિલેટર કબજે કર્યુ છે.
માણેજા રોયલ રેસિડેન્સીમાં રહેતા રાજેન્દ્ર ધીરૃભાઇ લાખાણી હરણી ગદા સર્કલ પાસે આવેલી જાન્હવી હોસ્પિટલમાં મેનેજમેન્ટ એડમિન તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષથી અમારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે લેવા આવતા જીજ્ઞોશ રમેશભાઇ સોલંકી (રહે. આશિષ પાર્ક સોસાયટી, તરસાલી) ગત ૨૭ મી તારીખે આઇ.સી.યુ. ઓન વ્હિલ એમ્બ્યુલન્સ એક દર્દીને સુરત લઇ જવાનું કહીને લઇ ગયો હતો. સોમા તળાવ પહોંચીને તેણે મને ફોન કરીને કહ્યું કે, એમ્બ્યુલન્સમાંથી કોઇ વેન્ટિલેટર ચોરી ગયું છે. દરમિયાન મકરપુરા પી.આઇ. એ.બી.ગોહિલે હાથ ધરેલી તપાસ દરમિયાન જીજ્ઞોશ સોલંકીએ જ વેન્ટિલેટરની ચોરી કરી હોવાનું ખૂલતા પોલીસે તેની ધરપકડ કરી વેન્ટિલેટર કબજે લીધું છે.