વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો
Vadodara Police : વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી થોડા સમય પહેલા શંકરદાદા ટ્રાવેલ્સની એક મીની બસની ચોરી થઈ હતી જે અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમ બનાવી દરેક રોડ પર ટેકનિકલ સોર્સ તથા સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ખિસકોલી સર્કલ વિશ્વામિત્ર નજીક એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને રોકી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બારૈયા (રહેવાસી-મંગલમૂર્તિ અપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ ) હોવાનું જણાવ્યું હતું.
પાંચ દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટની સામેથી એક મીની બસની ચોરી કર્યો હોવાનું કબૂલ્યુ હતું. જે બસ પાદરાના બજરંગ નગર ઝુંપડપટ્ટીના ગ્રાઉન્ડમાંથી મળી આવી હતી. તેમજ 25 દિવસ પહેલા જેપી રોડ પોલીસ સ્ટેશન તથા કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ બે બસ ચોરી હતી જે બંને બસો નરોડા તેમજ રાજકોટ ખાતેથી કબજે કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ બસ રીકવર કરી છે. આરોપી સામે અગાઉ ચાર ગુના ચોરીના નોંધાયેલા છે.