Gujarat

દુબઇના વેપારીના ઇશારે મ્યુલ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતો આરોપી ઝડપાયો

By GS TEAM
20 Dec 20252 mins read
દુબઇના વેપારીના ઇશારે  મ્યુલ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતો આરોપી ઝડપાયો

વડોદરા,સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી માટે  બેન્ક એકાઉન્ટ ખોલાવનાર એકાઉન્ટ હોલ્ડરને દુબઇનો વેપારી કમિશન પેટે ૫૦  હજાર  આપતો હતો. મકરપુરા પોલીસે આ અંગે દુબઈના બિઝનેસ મેન સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરી  તપાસ  હાથ ધરી છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, નીલ મજમુદાર લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઇ કમિશન  પેટે અન્ય વ્યક્તિઓને ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે આપે છે. તેની  પાસે ઘણા વ્યક્તિઓના એ.ટી.એમ. કાર્ડ છે.  હાલ તે ઓ.એન.જી.સી. ગેટ સામે ઊભો છે. જેથી,પોલીસે ત્યાં જઇને તપાસ કરતા નીલ વિનલકુમાર મજમુદાર (રહે. વિવેકાનંદ સોસાયટી, મકરપુરા રોડ) મળી આવ્યો હતો. તેની પાસેથી  અન્ય વ્યક્તિઓના એ.ટી.એમ. કાર્ડ મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું  હતું કે , ત્રણ વર્ષ પહેલા નીલ  દુબઇમાં નોકરી કરતો હતો. ત્યાંથી પરત આવ્યા પછી લોકો પાસે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવડાવી સાયબર ફ્રોડ કરતા લોકોને આર્થિક વ્યવહારો કરવા માટે આપતો હતો. નીલે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે,  મારા  મિત્ર આકાશ ચંદ્રકાંતભાઇ પટેલ (રહે. રેવા પાર્ક સોસાયટી, માંજલપુર) નું કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તે એકાઉન્ટ ઓનલાઇન બેન્ક એપ્લિકેશન મારફતે હું અગાઉ દુબઇ ખાતે નોકરી કરતો હતો, તે મારા  શેઠ હેરીભાઇના કહ્યા મુજબ ઓપરેટ કરતો હતો અને ત્યારબાદ એ.ટી.એમ. મારફતે રૃપિયા વિડ્રો કરી લેતો હતો. હેરીભાઇએ નીલને ૭૦  હજાર  રૃપિયા આપ્યા હતા. જેમાંથી ૫૦ હજાર રૃપિયા આકાશ પટેલને આપ્યા હતા.આકાશ પટેલના પત્ની નીલીમાબેનનું એકાઉન્ટ પણ હેરીભાઇને ઉપયોગમાં લેવા આપ્યું હતું. તેના  પણ ૭૦  હજાર મળ્યા હતા. જેમાંથી ૫૦  હજાર આકાશને આપ્યા હતા.તેમજ નીલનો મિત્ર અફાન ઉસ્માનભાઇ કાની (રહે. મદીના પાર્ક,ભરૃચ) નીલની માગણી મુજબ સાયબર ફ્રોડ કરવાના ઇરાદે અલગ - અલગ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેની કીટ નીલને મોકલતો હતો. તે કીટ પેટે નીલ ૫૦ હજાર અફાનને મોકલતો હતો. ઉપરોક્ત આક્ષેપો કરતી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અફાને થોડા સમય અગાઉ જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેના અને તેની ગર્લફ્રેન્ડના અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.