Get The App

ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ

વિદ્યાર્થિનીના કાકા અને દાદી સમજાવવા ગયા તો મારી નાખવાની ધમકી આપી

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ  કિસ કરી છેડતી કરતા આરોપીઓ 1 - image

વડોદરા,દુકાનમાં ચા અને ખાંડ લેવા ગયેલી ૧૪ વર્ષની કિશોરીને રસ્તામાં ઊભેલા આરોપીઓએ ફ્લાઇંગ કિસ કરી છેડતી કરી હતી. આરોપીઓને સમજાવવા ગયેલા કિશોરીના કાકા અને દાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મકરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ધો. ૮ માં અભ્યાસ કરે છે. માતા - પિતા વચ્ચે મનદુઃખ થતા તેની માતા પિયર જતી રહી હતી. ત્યારબાદ  કિશોરીના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ૧૪ વર્ષની કિશોરી તેની દાદી સાથે રહે છે. ગત ૧૮ મી તારીખે સાંજે સાત વાગ્યે કિશોરી ઘરની નજીકમાં આવેલા  પ્રોવિઝન સ્ટોરમાં ચા અને  ખાંડ લેવા માટે ગઇ  હતી. તે દરમિયાન મેપા ભરવાડનો ડ્રાઇવર સોમાભાઇ નાયક તથા ભરતભાઇ ભરવાડ ઊભા  હતા. સોમાભાઇ નાયકે કિશોરીને ફ્લાઇંગ કિસ કરી ગંદા ઇશારા કરી આંખ મારી હતી. કિશોરી ત્યાંથી આગળ જતી રહી હતી. ત્યાં બેઠેલા કાકાને તેણે વાત કરતા તેઓ આરોપીઓને સમજાવવા ગયા હતા.  પરંતુ, આરોપીઓએ કાકા સાથે ઝઘડો કર્યો હતો. આ વાતની જાણ થતા કિશોરીની દાદી જશોદા કોલોનીમાં રહેતા મેપાભાઇ ગોવિંદભાઇ ભરવાડના પત્નીને કહેવા ગયા હતા. મેપાભાઇએ ઉશ્કેરાઇને ગાળો બોલી દાદીને પેટમાં લાત મારી હતી. તેના ભાઇ ભરત ભરવાડે લાકડી વડે તેઓ પર હુમલાનો  પ્રયાસ કર્યો હતો. રઘુભાઇ ગોવિંદભાઇ ભરવાડે તેઓને  જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ  અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.