વડોદરા,સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે મોપેડ લઇને ગાંજાની ડિલિવરી માટે ઊભેલા કેરિયરને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૪ ના સ્ટાફને માહિતી મળી હતી કે, આજવારોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે નાસ્તાની લારી સામે એક વ્યક્તિ મોપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો લઇને ઊભો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે પીછો કરીને અલ્તાફ ચાંદમીંયા મકરાણી (રહે. રાજારાણી તળાવ પાસે, પાણીગેટ) મળી આવ્યો હતો. તેના મોપેડની ડીકીમાંથી ૩૦૦ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૧૫ હજારનો મળી આવ્યો હતો. પોલીસે મોપેડ, મોબાઇલ અને ગાંજા સહિત કુલ૫૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.તેણે પોલીસને જણાવ્યું હતું કે, મારી નજીકમાં રહેતા સોએબ મહેબૂબભાઇ દિવાને ગાંજો ડીકીમાં મૂકીને આપ્યો હતો. સરદાર એસ્ટેટ પાસે ડિલિવરી આપવાની હતી અને તે પેટે ૫૦૦ રૃપિયા આપવાની વાત કરી હતી.જેથી,પોલીસે સોએબને વોન્ટેડ જાહેર કર્યો છે.


