Get The App

બળાત્કારના ગુનાની ફરિયાદ સાબિત કરવામાં ફરિયાદી મહીલા નિષ્ફળ જતાં આરોપીનો નિર્દોષ છુટકારો

બળાત્કારના ગુનાની એકથી વધુ ફરિયાદ કરનાર ફરિયાદી મહીલાના વેરવિખેર પુરાવાના આધારે આરોપીને ગુનેગાર ઠેરવી શકાય નહીં ઃકોર્ટ

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા.18 જુલાઈ 2020 શનિવાર

લગ્નની લાલચે ગોવા ફરવા લઈ જઈને હોટેલમાં ત્રણ ચાર દિવસો સુધી ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારનાર આરોપી પુરુષ વિરુધ્ધ ફરિયાદી મહીલા ઠોસ પુરાવો રજુ  સાબિત કરવામાં નિષ્ફળ જતાં એડીશ્નલ સેશન્સ જજ એ. એચ. ધામાણીએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

ભાગળ વિસ્તામાં ખાંડવાલા શેરીમાં રહેતા 45 વર્ષીય પ્રમોદ કાશીરામ જરીવાલા વિરુધ્ધ અડાજણ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય ફરિયાદી મહીલાએ નવેમ્બર-2013માં લગ્નની લાલચ આપી ગોવા ફરવા લઈ જઈ ત્રણ-ચાર દિવસો સુધી હોટેલમાં રાખી ઈચ્છા વિરુધ્ધ એકથી વધુવાર બળાત્કાર ગુજારવા અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સંડોવાયેલા આરોપી પ્રમોદ જરીવાલા વિરુધ્ધનો કેસ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન આરોપીના બચાવપક્ષે એડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે ફરિયાદી 34 વર્ષીય હોવા ઉપરાંત આરોપી સાથે તેના શિવમંદિરમાં લગ્ન થયા હોવાનું જણાવ્યું છે.જેથી લગ્નની લાલચ આપીને આરોપી ગોવા ફરવા લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાનું માની શકાય નહીં.ફરિયાદીએ આરોપી વિરુધ્ધ ખોરાકીના તથા ઘરેલું હિંસાના કેસ કરીને મસમોટી રકમ પડાવી છે.હાલની ફરિયાદ પણ ખોટા આક્ષેપો કરીને પૈસા પડાવવા કરી છે.ભોગ બનનારે આ અગાઉ આ પ્રકારની એકથી વધુ ફરિયાદો કરી હોવા સંબંધે બચાવપક્ષે દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.તદુપરાંત સમગ્ર કેસમાં પંચોએ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપ્યું ન હોઈ પંચનામું તથા પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવતી હોઈ પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા માંગ કરી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા બચાવપક્ષની રજુઆતોને માન્ય રાખી ફરિયાદીએ ઠોસ પુરાવાના બદલે વેરવિખેર પુરાવાના આધારે આરોપીને તકસીરવાર ઠેરવવા ઈન્કાર કર્યો હતો.કોર્ટે પુરાવાના અભાવે આરોપી પ્રમોદ જરીવાલાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદીએ હાલના આરોપી તથા અગાઉના પતિ સહિત અન્ય લોકો સામે પણ બળાત્કાર જેવા ગંભીર ગુના સંદર્ભે કાનુની જંગ લડેલા છે.જેથી ફરિયાદીની જુબાનીમાં તથા ઉલટતપાસમાં વિરોધાભાસ આવવા સાથે વર્તણુંકને પણ કોર્ટે શંકાસ્પદ ઠેરવતો નિર્દેશ આપ્યો છે.


Tags :