વડોદરા,ટુ વ્હિલર પર જતી મહિલાને ધક્કો મારીને નીચે પાડી દઇ તેનું પર્સ ઝૂંટવીને આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તરસાલી આદેશ રેસિડેન્સીમાં રહેતા ઉપેક્ષાબેન પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પિતા ગત ૧૦ મી ફેબુ્રઆરીએ લંડન ગયા હતા ત્યારે મને ૫૦ હજાર રોકડા બેન્કમાં જમા કરાવવા માટે આપ્યા હતા. ૧૨ મી તારીખે હું બેન્કમાં રૃપિયા જમા કરાવવા માટે ગઇ હતી. પરંતુ, બેન્કમાં હડતાળ હોઇ જેથી, લેવડ - દેવડ થઇ નહતી. જેથી, હું પર્સમાં રૃપિયા મૂકીને મારા દાદી પાસે ગઇ હતી. ત્યાંથી સાંજના સાત વાગ્યે હું મારા ત્રણ વર્ષના દીકરાને લઇને ટુ વ્હિલર પર તરસાલી સોમનાથનગર ગઇ હતી. ત્યાંથી પરત આવતા સમયે અમે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટુ વ્હિલર પર આવેલા બે આરોપીઓએ મને ધક્કો મારીને પાડી દીધી હતી. આરોપીઓ મારી પાસેનું પર્સ ઝૂંટવીને ભાગી ગયા હતા.જેમાં રોકડા ૫૩,૫૦૦ રૃપિયા હતા.


