વડોદરા,નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવાયાર્ડ ડી કેબિન પાસે ગરીબ નવાજ પાર્કમાં રહેતા રિક્ષા ડ્રાઇવર નાઝીમ અબ્દુલકાદીર પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે હું અને મારો ભત્રીજો અમારૃં કામ પૂરૃં કરીને સાડા નવ વાગ્યે અમે ડી કેબિનમાં થઇને ઘરે પરત આવતા હતા. તે દરમિયાન ભત્રીજાના મોબાઇલ ફોન પર કંપનીમાંથી કોલ આવતા તેણે ટુ વ્હિલર રોડની સાઇડ પર ઊભું રાખ્યું હતું. અમે રોડની સાઇડમાં ઊભા હતા. તે દરમિયાન શહેબાઝ ટુ વ્હિલર લઇને આવ્યો હતો. તે મને તથા મારા ભત્રીજાને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે ઉશ્કેરાઇને અમને માર માર્યો હતો. તે દરમિયાન શહેબાઝના બે મિત્રો આવી ગયા હતા. તેઓ મને રોડની સાઇડમાં લઇ ગયા હતા. મારો મોટો ભાઇ છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા.


