નેશનલ હાઇવે પર ટ્રાફિકને નડતરરૃપ કાઠિયાવાડી હોટેલ સહિતના દબાણો દૂર કરાયા
વર્ષોથી જમીન માલિક દ્વારા કરાયેલા દબાણો હટાવી રોડ ખુલ્લો કરાયો
વડોદરા, તા.3 ઓક્ટોબર, બુધવાર
શહેર નજીક નેશનલ હાઇવેને અડીને દુમાડ ચોકડી પાસે વર્ષોથી રોડને અડીને બનાવેલા દબાણો પર આખરે વુડા દ્વારા બુલડોઝર ફેરવી કાઠીયાવાડી હોટલ સહિતના દબાણો તોડી નાંખવામાં આવ્યા હતાં. વર્ષો બાદ વુડા દ્વારા દબાણ હટાવવાની હાથ ધરાયેલી કામગીરીમાં આશરે ૨૫ હજાર ચોરસફુટ જેટલી જમીન ખુલ્લી થઇ હતી.
પ્રાપ્ત માહિતિ મુજબ દુમાડ ચોકડી પાસે રતીલાલ આર. પટેલ તેમજ તેમના પુત્ર વિરજ દ્વારા બિનપરવાનગી બાંધકામ અને વિકાસ યોજનાના સુચિત રસ્તા રેષામાં દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતાં. આ દબાણો તોડવા માટે વુડા દ્વારા જમીન માલિકોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી જો કે વુડા પાસે સ્ટાફ નહી હોવાથી દબાણો દુર કરી શકાતા ન હતાં. પરંતુ હવે વુડા દ્વારા દબાણો દુર કરવા માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું અને જમીન માલિકોને માત્ર બે દિવસમાં દબાણો દુર કરવાની નોટિસ અપાઇ હતી. આ નોટિસના પગલે જમીન માલિક દ્વારા સાત દિવસની પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ વુડા દ્વારા મંજૂરી અપાઇ ન હતી.
દરમિયાન વુડાના અધિકારીઓ સ્ટાફ સાથે દબાણ હટાવવાની મશીનરી સાથે દુમાડ ચોકડી પાસે પહોંચી ગયા હતા અને વર્ષોથી ધમધમતી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ એન્ડ ફુડ કોર્ટ, જય અંબે નાસ્તા હાઉસ, કાઠીયાવાડી હોટલ તેમજ એક બેન્કવેટ હોલ સહિતના દબાણો તોડી નાંખવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રોડ પર જ દબાણ કરીને બનાવી દેવાયેલી આ હોટલ ખુબ પ્રખ્યાત હતી પરંતુ અમદાવાદ તરફથી વડોદરા આવવાના આ સુપર એક્સપ્રેસ હાઇવે પર દુમાડ ચોકડી પાસે આ દબાણો ટ્રાફિકને ખુબ અડચણ થતા હતાં. વુડાના સૂત્રોએ જણાવ્યું હતું કે દબાણો દુર થતા હવે રોડ ખુલ્લો થઇ ગયો છે તેમજ આશરે ૨૫ હજાર ચો.ફુ. જેટલી જમીન પણ ખુલ્લી કરી દેવાઇ છે.